અઘરો સવાલ…

સૌથી અઘરો સવાલ શું હોઈ શકે? જાતે જ એક અઘરો સવાલ છે. પણ સૌથી અઘરો સવાલ છે. “શું ચાલે?” . અચાનક મળી ગયેલા દોસ્તથી માંડી ક્યારેય ન મળતાં સંબંધી સુધીના સૌનો પ્રિય સવાલ. વાતચીત શરૂ કરવા માટે શું બીજો કોઈ સવાલ નથી? જવાબ આપવો ભારે પડી જાય એવો સવાલ છે આ! અને જો જવાબ આપવા જ હોય તો કરવા આપી શકાય ? “કાંઈ ચાલતું નથી ભાઈ “. અથવા “સાચે ! એટલા વર્ષે તને અચાનક આટલી ચિંતા થવા લાગી ?”. પેલા સંબંધીને “એ તો બધું ઠીક કામ શું પડ્યું તે બોલોને.”

કોઈ અંગત હિતેચ્છુ આ સવાલ પૂછે તેની રાહ જોઇને બેઠા હોઈએ છીએ આપણે અને જેમ દરેક ટૂંકા સવાલ ની જેમ એનો પણ એક અટપટો, ઉટપટાંગ,આડો-ત્રાંસો, ખાસ્સો ત્રણ પાનાંનો જવાબ તૈયાર કરી બેઠા હોઈએ છીએ. દુઃખના દરિયાથી માંડી ખુશીના ખાબોચિયા સુધીની બધીજ માહિતી એમ હોય. પજવતા પ્રશ્નો અને તેના નહીં જડતાં જવાબો, કોઈનો દગો કોઈની દોસ્તી, ટૂંકમાં કોઈ સારા દિગ્દર્શકની હિટ મુવી કેવી મેઘધનુષી વાર્તા હોય છે.

“શું ચાલે?”. જવાબની લંબાઈ સંબંધની ઊંડાઈ દર્શાવે છે. કોઈને પૂછી જોજો અને કોઈ પૂછે તો જવાબની લંબાઈ પણ વિચારી જોજો. વ્યક્તિ કેટલો નજીક છે તેની ખબર પડી જશે.


Advertisements

હું એક પાન

આહ, શું સવાર છે!
આ અવાજ શેનો?

તમે કોણ?

હું? હું એક પાન.

એમ? આમ તો હું પણ
પણ તમે થોડા અલગ કેમ?

મારી હવે ઉંમર થઇ.

એટલે?

આ વૃક્ષના વિકાસમાં હવે
સીધી રીતે કામ નહિ કરી શકું.

એટલે તમે હવે નકામાં,
વૃક્ષએ કાઢી મૂક્યાં?

ના. તમારા જેવા મારાથી વધુ સક્ષમ
હવે એ કામ કરશે. હું થાક્યો.

તો હવે? વૃક્ષ વગર તમે શું કરશો?

જરૂર વૃક્ષને મારી હતી. હું તો ત્યારે પણ
વૃક્ષને છોડવા સ્વતંત્ર હતો.
લક્ષ્ય હતું વૃક્ષ માટે કૈક કરવાનું જે મેં કર્યું.

પણ હવે તો વૃક્ષથી અલગ થઇ ગયા. હવે?

હું વૃક્ષથી અલગ જરૂર થયો છું. મારા ધ્યેય થી નહીં.
પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ પદ્ધતિથી કોઈ ફરક નથી પડતો, મારું કામ હજુ ચાલું જ છે.

કેવી રીતે?

અનુભવ, જીવનની શરૂઆતથી અત્યાર સુધી બનેલી બધી ઘટનાઓ અને સંસ્મરણો. અંતે મારા પછી તમારે જ તો આ વૃક્ષનું ધ્યાન રાખવાનું છે. આ વૃક્ષના મૂળમાં હું તમારા માટે અનુભવ છોડતો જઈશ. એ અનુભવનાં પોષણનો ઉપયોગ તમે આ વૃક્ષના વિકાસમાં કરજો.